મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલાં મતદારોને રૂપિયા વહેંચવાનો મામલો સામે આવ્યો છે. હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ આઘાડી (BVA)એ આરોપ લગાવ્યો છે કે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે મતદારોને રૂપિયા વહેંચી રહ્યા છે.
તાવડે સામે ચૂંટણીપંચની કાર્યવાહી, FIR નોંધાઈ
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાલાસોપારામાં રૂપિયા વહેંચવાનો આરોપ લાગ્યો છે. આ સંદર્ભે ચૂંટણીપંચે FIR નોંધાવી છે. તાવડેની સાથે ભાજપના ઉમેદવાર રાજન નાઈક વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે. ECએ તાવડે પાસેથી 9 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.
BVAએ જણાવ્યું હતું કે તાવડે મંગળવારે વિરાર વિસ્તારની એક હોટલમાં 5 કરોડ રૂપિયા લઈને પહોંચ્યા હતા. નાલાસોપારા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજન નાઈક અને અન્ય કાર્યકર્તાઓ પણ તેમની સાથે હતા. અહીં તેમની બેઠક મળી હતી.
જ્યારે BVAને આ વિશે માહિતી મળી ત્યારે નાલાસોપારાથી પાર્ટીના ઉમેદવાર ક્ષિતિજ ઠાકુર તેમના કાર્યકરો સાથે હોટલ પહોંચ્યા. BVAએ તાવડે પર મતદારોને રૂપિયા વહેંચવાના આરોપ લગાવ્યા હતા.
હોટલમાંથી જે વીડિયો સામે આવ્યા છે એમાં BVA કાર્યકરોના હાથમાં નોટો જોવા મળે છે. એક યુવકના હાથમાં ડાયરી છે. આરોપ છે કે આ જ ડાયરીમાં રૂપિયાનો હિસાબ છે.
આ પછી ભાજપ અને બીવીએ કાર્યકરો વચ્ચે જોરદાર હોબાળો થયો હતો. પોલીસ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા હોટલ પર પહોંચી હતી. ત્યાં ઘણી વાર સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.