[ad_1]
18 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતે વર્ષ 2025 સુધીમાં ટીબી (ક્ષય) રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. સરકારે નાણાકીય વર્ષ 2023માં આ કામ માટે 3400 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આજની તારીખે તમામ સરકારી હોસ્પિટલોમાં ટીબીની સારવાર મફત છે અને દર્દીઓને સારવાર દરમિયાન તંદુરસ્ત આહાર માટે દર મહિને 1,000 રૂપિયા પણ મળે છે. જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના તાજેતરના ડેટા પછી આ લક્ષ્ય સુધીનો માર્ગ મુશ્કેલ લાગે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2023માં વિશ્વભરમાં 80 લાખથી વધુ TB (ટ્યૂબર્ક્યુલોસિસ)ના કેસ જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે WHOએ વર્ષ 1995થી એનો ટ્રેક રાખવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી અત્યારસુધીમાં કોઈપણ વર્ષમાં ટીબીના નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.
આ આંકડાઓ ભારત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે નાબૂદીની ઝુંબેશ છતાં વૈશ્વિક ટીબીના 25% કેસ એકલા ભારતમાં નોંધાયા છે. ભારતમાં વર્ષ 2023માં ટીબીના કુલ 25 લાખ 37 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે અગાઉ વર્ષ 2022માં લગભગ 24 લાખ 22 હજાર કેસ નોંધાયા હતા.
સમગ્ર વિશ્વમાં વર્ષ 2023માં લગભગ 12 લાખ 50 હજાર લોકો ટીબીને કારણે મૃત્યુ પામે એવી શક્યતા છે. જ્યારે ભારતમાં વર્ષ 2023માં ટીબીના કારણે 3 લાખ 20 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે, તેથી જ આજે ‘તબિયતપાણી‘માં આપણે ટીબી વિશે વાત કરીશું. તમે એ પણ શીખી શકશો કે…
- આ રોગ કેમ અને કેવી રીતે ફેલાય છે?
- ટીબી એ જીવલેણ રોગ કેમ છે?
- ટીબીની સારવાર અને નિવારણનાં પગલાં શું છે?
ટ્યૂબર્ક્યુલોસિસ (ટીબી) શું છે? ટીબી એક ચેપી રોગ છે. એના બેક્ટેરિયા સામાન્ય રીતે ફેફસાંની પેશીઓને અસર કરે છે, જોકે કેટલીકવાર એ કરોડરજ્જુ, મગજ અથવા કિડની જેવા અન્ય અવયવોને પણ અસર કરી શકે છે.
ટીબી શા માટે થાય છે? ટીબી માયકોબેક્ટેરિયમ ટ્યૂબર્ક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયા હવા દ્વારા ફેલાય છે અને સામાન્ય રીતે ફેફસાંને ચેપ લગાડે છે. ટીબી ચોક્કસપણે એક ચેપી રોગ છે, પરંતુ એ બહુ સરળતાથી ફેલાતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિની આસપાસ લાંબો સમય વિતાવે છે ત્યારે તે પણ આ રોગથી પ્રભાવિત થઈ શકે છે.
ટીબી કેવી રીતે ફેલાય છે? ટીબીથી સંક્રમિત વ્યક્તિ જ્યારે ઉધરસ ખાય, છીંક ખાય, બોલે, ગાય કે હસતી હોય ત્યારે તેના મોંમાંથી નીકળતા જંતુઓ નજીકના લોકોને ચેપ લગાવી શકે છે. સક્રિય ટીબી ધરાવતા લોકો જ ચેપી છે.
એની ખાસ વાત એ છે કે જો આપણા શ્વાસ દ્વારા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ્યા હોય તો મોટા ભાગના લોકોનું શરીર આ બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ હોય છે અને એને વધતા અટકાવે છે. આ લોકોના શરીરમાં બેક્ટેરિયા નિષ્ક્રિય રહે છે. જોકે તેઓ શરીરમાં જીવંત રહે છે અને પછી ગમે ત્યારે સક્રિય થઈ શકે છે. આને સુપ્ત ક્ષય રોગ ચેપ (LTBI) અથવા સુપ્ત ટીબી કહેવામાં આવે છે. જો આ લોકોની રોગપ્રતિકારક શક્તિ પાછળથી નબળી પડી જાય છે, તો આ બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે અને હુમલો કરે છે.
ટીબીનાં લક્ષણો શું છે? જે લોકોનો ટીબી એક્ટિવ નથી એમાં કોઈ લક્ષણો દેખાતાં નથી, જોકે આ લોકોની ટીબી માટે તપાસ કરવામાં આવે તો ટીબી હોઈ શકે છે.
એક્ટિવ ટીબી ધરાવતા લોકો ઘણાં લક્ષણો બતાવી શકે છે. ગ્રાફિક જુઓ:
આ ટીબીનાં સામાન્ય લક્ષણો છે, જે સામાન્ય રીતે ફેફસાંમાં ચેપ લાગે ત્યારે દેખાય છે. જો ટીબીને કારણે અન્ય અંગો પણ પ્રભાવિત થાય છે, તો એના કારણે અન્ય લક્ષણો પણ દેખાઈ શકે છે:
- જો કિડનીને ટીબીની અસર થાય છે તો પેશાબમાં લોહી આવી શકે છે અને કિડનીની કામગીરી બગડી શકે છે.
- જો ટીબી કરોડરજ્જુને અસર કરે છે તો પીઠનો દુખાવો, જડતા અને સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે.
- જો ટીબી મગજમાં ફેલાય છે તો ઊબકા અને ઊલટી થઈ શકે છે. મૂંઝવણ ચાલુ રહે છે અને ચેતનાનું નુકસાન થઈ શકે છે.
ટીબીના નિદાન માટે કયા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે? ટીબીના નિદાન માટે બે પ્રકારના સ્ક્રીનિંગ ટેસ્ટ છે. મેન્ટોક્સ ટ્યૂબર્ક્યુલિન સ્કિન ટેસ્ટ (TST) અને લોહી ટેસ્ટ. આમાં સ્કિન અને લોહી ટેસ્ટ કરવામાં આવે છે.
જો સ્ક્રીનિંગમાં કોઈ વ્યક્તિ પોઝિટિવ જોવા મળે છે તો ટીબીના કારણે ફેફસાંને થયેલાં નુકસાનની ખબર પડે છે. સારવાર ફેફસાંના નુકસાનના સ્તર અને ટીબી પોઝિટિવ છે કે નહીં એના પર આધાર રાખે છે.
આ માટે નીચેનાં પરીક્ષણો કરવામાં આવે છે:
- સ્પુટમ અને ફેફસાંના પ્રવાહીના લેબ ટેસ્ટ
- છાતીનો એક્સ-રે
- કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન (સીટી-સ્કેન)
ટીબીની સારવાર શું છે? જ્યારે સક્રિય ટીબીનું નિદાન થાય છે ત્યારે દવાઓ સામાન્ય રીતે 6થી 9 મહિના સુધી લેવી પડે છે. જો સારવારનો કોર્સ પૂરો ન થાય તો ટીબીનો ચેપ પાછો ફરી શકે એવી સંભાવના છે. આમાં સૌથી મોટો ખતરો એ છે કે જો ચેપ ફરી પાછો આવે છે તો અગાઉના કોર્સમાં આપવામાં આવેલી દવાઓ આ વખતે બિનઅસરકારક બની જશે, તેથી ટીબીની દવાનો કોર્સ પૂરો કરવો ખૂબ જ જરૂરી છે.
ટીબીના ચેપથી બચવું હોય તો શું કરવું? ડો.શિવાની સ્વામી કહે છે, જો તમારે ટીબીના ચેપથી બચવું હોય તો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો અને પોષણયુક્ત આહાર લો. જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો આપણું શરીર ટીબીના બેક્ટેરિયાને નિષ્ક્રિય કરી દે છે.
રોગપ્રતિકારક શક્તિ પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ઘણા લોકો સુપ્ત ટીબીથી પીડાય છે અને જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે ત્યારે ટીબીના બેક્ટેરિયા સક્રિય થઈ શકે છે. જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે તો આ બેક્ટેરિયા સક્રિય થઈ શકશે નહીં.
ટીબીના ફેલાવાને રોકવા માટે તમે શું કરી શકો? જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિની આસપાસ રહો છો તો તમારા હાથને વારંવાર સારી રીતે ધોઈ લો. માસ્ક પહેરો અને સમયાંતરે ટીબી માટે જાતે પરીક્ષણ કરાવો.
જો કોઈ વ્યક્તિ ટીબીથી પીડિત હોય તો તે નીચે મુજબ કરી શકે છે.
- ઉધરસ ખાતી વખતે તમારા મોંને તમારી કોણીથી ઢાંકો.
- અન્ય લોકો સાથે ખૂબ નજીકનો સંપર્ક ટાળો.
- ખાતરી કરો કે તમે તમારી બધી દવાઓ નિયમિતપણે લઈ રહ્યા છો.
- જ્યાં સુધી ડૉક્ટર પરવાનગી ન આપે ત્યાં સુધી ઑફિસ કે સ્કૂલે જશો નહીં.
- જો બહાર જવું કે લોકોને મળવું જરૂરી હોય તો માસ્ક પહેરો.
- ટીબીના ચેપને રોકવા માટેનું સૌથી મહત્ત્વનું માપ યોગ્ય વેન્ટિલેશન છે.
- અંધારાવાળા ઓરડામાં ન રહો અને તમે જે રૂમમાં છો એની બારીઓ ખુલ્લી રાખો.
[ad_2]
Source link